બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડગામ નજીકથી વરસાદી પાણીમાંથી બે મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બંને મૃતદેહો વાવ તાલુકાના ધરાધરા ગામના કાકા-ભત્રીજાના હોવાનું બહાર આવ્યું છે. મૃતકોની ઓળખ રૂપાભાઈ રાઠોડ અને ભુરાભાઈ રાઠોડ તરીકે થઈ છે, જેઓ છેલ્લા દસ દિવસથી લાપતા હતા.
કાકા-ભત્રીજાનો મૃતદેહ મળ્યો
પ્રાથમિક માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની ફરજ પડી હતી. રૂપાભાઈ અને ભુરાભાઈ પણ વરસાદી પાણીથી બચવા માટે અન્ય જગ્યાએ ગયા હશે, તેમ તેમના પરિવારજનોએ શરૂઆતમાં માન્યું હતું. જોકે, દસ દિવસ વીતી ગયા છતાં તેમનો કોઈ સંપર્ક ન થતાં, પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમની શોધખોળ હાથ ધરી હતી.













