બનાસકાંઠાના થરાદ તાલુકાના રાહ ગામ નજીક એક કરુણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. આ દુર્ઘટના રાહ-ઘોડાસર રોડ પર બની હતી. જ્યાં બાઇક ચાલક એક ડમ્પર ટ્રકને ઓવરટેક કરવા જતાં અકસ્માતનો ભોગ બન્યો હતો. મૃતક યુવકનું નામ અરવિંદ ઠાકોર છે. આ યુવક ઘોડાસર ગામનો રહેવાસી હતો. અરવિંદ રાહ ગામથી બાઈક પર ડીઝલ લઈને પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો.


ડમ્પરને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત

આ દરમિયાન રાહ-ઘોડાસર રોડ પર તે એક ડમ્પરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે તેણે બાઈક પરનો કાબૂ ગુમાવતા તે ડમ્પરની અડફેટે આવી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે અરવિંદને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતે ફરી એકવાર વાહન ચલાકોને સાવધાની રાખવાની અને ઓવરટેક કરતી વખતે અત્યંત સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


  • Follow us on: