થરાદના દૂધ શીત કેન્દ્ર ખાતે આયોજિત એક સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ થરાદના નાગલા, ખાનપુર અને સવપૂરા જેવા ગામોમાં દર વર્ષે ભરાતા પાણીની સમસ્યાના કાયમી નિકાલની ખાતરી આપી છે. શંકર ચૌધરીએ સભામાં કહ્યું હતું કે તેમણે મુખ્યમંત્રીને આ સમસ્યાના ઉકેલ માટે થતા સંભવિત ખર્ચ અંગે પૂછ્યું હતું.


સભામાં વિધાનસભા અધ્યક્ષનું નિવેદન

મેં દબાતા સ્વરે કહ્યું કે લગભગ 500 કરોડનો ખર્ચ થઈ શકે છે. તેના જવાબમાં મુખ્યમંત્રીએ તત્કાળ કહ્યું કે ભલે 1000 કરોડનો ખર્ચ થાય પરંતુ આ ગામોના લોકોની વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશું. મુખ્યમંત્રીની આ જાહેરાત થરાદ પંથકના લોકો માટે એક મોટી રાહત સમાન છે. આ ગામોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને ખેડૂતોને પાકનું ભારે નુકસાન થાય છે.

સ્થાનિકોમાં ફેલાઈ આનંદની લાગણી 

આ વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા આટલો મોટો ખર્ચ કરવાની તૈયારી દર્શાવવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ નિર્ણય દર્શાવે છે કે સરકાર લોકોની સમસ્યાઓને ગંભીરતાથી લઈ રહી છે અને તેના કાયમી ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. આ યોજનાના અમલથી થરાદના ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ગુણવત્તા સુધરશે અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.


  • Follow us on: