બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરનો મુખ્ય પ્રવેશ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ માર્ગ પર અંદાજે એક કિલોમીટર સુધી પાણી ભરાયેલા હોવાથી થરાદ જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ભારે વરસાદની સૌથી વધુ અસર સ્થાનિક વેપારીઓને થઈ છે.
મુખ્ય માર્ગ ઉપર એક કિલોમીટર સુધી ભરાયા પાણી
મુખ્ય માર્ગ પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. દુકાનોમાં રાખેલો માલસામાન પલળી જતાં વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. આ અચાનક આવેલી આફતને કારણે તેમનો ધંધો પણ ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદ અને જળભરાવને કારણે થરાદ શહેરનું જનજીવન છેલ્લા બે દિવસથી સંપૂર્ણપણે થંભી ગયું છે. શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે અને લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે.













