થરાદ તાલુકાના રામપુરા ગામે એક યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો છે. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક તર્કો અને આશંકાઓ સેવાઈ રહી છે. મૃતક યુવકનો એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું બહાર આવતાં તેના પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. થરાદના રામપુરા ગામના સ્થાનિકોને વહેલી સવારે એક યુવકનો મૃતદેહ ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો.


યુવકની હત્યા કે આત્મહત્યાને લઇને આશંકા

આ દૃશ્ય જોતાં જ લોકોમાં ભય અને આશ્ચર્ય ફેલાઈ ગયો હતો. તાત્કાલિક આ ઘટના અંગે થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ થરાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને મૃતક યુવકની ઓળખ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક યુવક થરાદ પંથકની એક યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો. આ પ્રેમસંબંધને કારણે યુવકના પરિવારજનોમાં પહેલેથી જ ચિંતાનું વાતાવરણ હતું.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

હવે યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા પરિવારજનોમાં હત્યાની આશંકા વધુ પ્રબળ બની છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ પ્રેમસંબંધને કારણે જ યુવકની હત્યા કરવામાં આવી છે અને તેને આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારીને તાત્કાલિક થરાદની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ મામલે મૃતકના પરિવારજનોએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. 

  • Follow us on: