બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા પાવડસણ અને ડુવા ગામ વચ્ચેનો મુખ્ય રસ્તો ભારે વરસાદ અને નદીના પાણીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો છે. આ ઘટનાને કારણે બંને ગામોનો એકબીજા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જેના પરિણામે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સમસ્યા કોઈ નવી નથી. દર વર્ષે ચોમાસામાં નદીના પાણીના પ્રવાહને કારણે આ રસ્તા અને આસપાસના ખેતરોનું મોટાપાયે ધોવાણ થાય છે.


રસ્તાના ભયજનક ધોવાણને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો

આ વર્ષે પણ ભારે વરસાદના કારણે રસ્તા પરથી પાણીનું વહેણ એટલું તેજ હતું કે રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આ રસ્તાના ભયજનક ધોવાણને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. રસ્તો તૂટી જવાથી સૌથી મોટી મુશ્કેલી આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવવામાં આવી રહી છે. કોઈ બીમાર વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી હોય તો તે શક્ય બની રહ્યું નથી. જેના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે.

પશુપાલકો, ખેડૂતો અને અન્ય સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા 

આ ઉપરાંત પશુપાલકો, ખેડૂતો અને અન્ય સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેતીના સાધનો કે દૂધ જેવી વસ્તુઓનું પરિવહન અટકી ગયું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગ્રામજનોએ તંત્ર પાસે વારંવાર રજૂઆતો કરી છે. તેમ છતાં દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ રસ્તાનું સમારકામ મજબૂત રીતે કરવામાં આવે. જેથી દર વર્ષે થતી હાલાકીમાંથી તેમને કાયમ માટે મુક્તિ મળે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ માળખાકીય સુવિધાઓની નબળી સ્થિતિને ઉજાગર કરી છે.


  • Follow us on: