ઉમરેઠ તાલુકાના અહીમા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં થતું બ્લોક (બી ) ખનન અટકાવવા બાબતે અહીમા ગામના મહિલા સરપંચ તથા ગામના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આજે ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર કરી ખનન અટકાવવા માટે માગ કરી હતી.
મહીસાગર નદીના પટ પર થતું ખનન અટકાવવા માગ
ઉમરેઠ તાલુકાના અહીમા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટ પર થતું ખનનને અટકાવવા બાબતે અહીમા ગ્રામ પંચાયતે તલાટી મંત્રી ને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.
મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે
મહીસાગર નદીના પટ પર ધાર્મિક આસ્થાના પ્રતીક તરીકે આ જગ્યા ઉપર મહાશિવરાત્રી. શ્રાવણ માસમાં તેમજ દશામાંની મુર્તિઓ તેમજ ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ પટ પર પુજા અર્ચના કરવામાં આવે છે.
આ જગ્યા ઉપર 10 ગામના લોકોનું સ્મશાનમાં આવેલું છે
આસપાસના ગામોમાંથી મોટા પ્રમાણમાં આ જગ્યા ઉપર લોકોનો મેળાવડો થતો હોય છે તેમજ આ જગ્યા ઉપર 10 ગામના લોકોનું સ્મશાનમાં આવેલું છે તેમજ ગામનો મુખ્ય નહાવા ધોવાનો આરો છે. આ જગ્યા એક આસ્થાના પ્રતિક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
મહીસાગર નદીનો આ એક માત્ર પટ છે જે લોકો માટે સુરક્ષિત છે
અહીમા ગામના રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે મહીસાગર નદીનો આ એક માત્ર પટ છે જે લોકો માટે સુરક્ષિત છે. જો આ પટ પર ખોદકામ કરાશે તો લોકોના જીવ જશે અને આ માટે તંત્ર ને રજુઆત કરવામાં આવી હતી.
નદીમાં અનઅધિકૃત રીતે રસ્તો બનાવાયો
મહીસાગર નદીમાં અનઅધિકૃત રીકતે રસ્તો બનાવાયો છે જેથી કરીને મહીસાગર પટમાં મોટા મોટા ખાડા પડવાથી લોકોના જીવ જાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે અને પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે.
ગ્રામજનોએ ખનનને તત્કાળ બંધ કરાવવા માગ કરી
ગ્રામજનોએ ખનનને તત્કાળ બંધ કરાવવા માગ કરી હતી જો આ ખનન બંધ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આજે સ્થળ પર એકત્ર થયેલા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરી સુત્રોચ્ચાર કર્યા હતા