કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શુક્રવારની સવારે એક મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી ગઈ હતી. દીવના અત્યંત વ્યસ્ત રહેતા બસ સ્ટેન્ડ સર્કલ નજીક મુખ્ય માર્ગ પર અચાનક જ આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. રસ્તાની બરાબર વચ્ચે આગની જ્વાળાઓ જોવા મળતા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને સુરક્ષાના ભાગરૂપે વાહનો થોભાવી દેવાતા થોડા સમય માટે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
ગેસ લાઈન લીકેજના કારણે અચાનક લાગી આગ
પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ કોઈ સામાન્ય કારણોસર નહીં, પરંતુ અંડરગ્રાઉન્ડ ગેસ લાઈનના કારણે લાગી હતી. બસ સ્ટેન્ડ સર્કલ પાસેથી પસાર થતી મુખ્ય ગેસ લાઈનની પાઈપમાં કોઈ કારણસર લીકેજ સર્જાયું હતું. ગેસ લીક થવાના કારણે અચાનક જ તણખલો ઝરતા આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ફાયર બ્રિગેડ અને પોલીસની ત્વરિત કામગીરી
ઘટનાની ગંભીરતાને પારખીને સ્થાનિક લોકોએ જરા પણ સમય વેડફ્યા વિના તરત જ દીવ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ પરિસ્થિતિનો તાગ મેળવી તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે આસપાસના લોકોને દૂર ખસેડીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

આગ પર કાબૂ મેળવાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
ફાયર વિભાગની સુઝબુઝ અને સમયસરની કામગીરીના કારણે થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો આગ વધુ ફેલાઈ હોત તો આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન થઈ શક્યું હોત, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આગ બુઝાઈ ગયા બાદ મુખ્ય માર્ગ પરનો ટ્રાફિક ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...