આજે નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા યુનિયન બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ આજે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે.
ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ તથા દિવ્યાંગજનના પીલ્લર્સ મુજબ કામ થશે. આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે.
યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે.આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે.
ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે
5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે. જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે. લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે.દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે.
વડાપ્રધાને હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે
કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.વડાપ્રધાને હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યાં છે.આ બજેટમાં પણ કરદાતાઓનાં સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતાઅ વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે. સમગ્રતયા આ બજેટ સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે.
આ પણ વાંચોઃ Union Budget 2026 : આરોગ્ય ક્ષેત્રે 'માસ્ટરસ્ટ્રોક', કેન્સર-ડાયાબિટીસની દવાઓ સસ્તી અને 3 નવા AIIMS ની ભેટ