ગુજરાત સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. અનેક રાજ્યોમાં હોટેલો અને રેસ્ટોરાં સહિત ખાણીપીણીની દુકાનોમાં અસલ દૂધમાંથી બનાવેલા પનીરની જગ્યાએ એનાલોગ પનીર પીસરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે એક જ દિવસમાં 74 જગ્યાએ દરોડા પાડીને એક હજાર કિલો પનીર સહિતની ચીજોને નષ્ટ કરી દેવામાં આવી છે. આજે પણ રાજ્યમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં પણ એક જ દિવસમાં 471 કિલો જેટલું એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે. 

471 કિલો જેટલું એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું

એનાલોગ પનીર, બટર અને ચીઝ સામે શરૂ થયેલી ઝુંબેશ અંતર્ગત વડોદરામાં બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાની આરોગ્ય શાખાની ટીમે છાણી વિસ્તારમાં આવેલી જાણીતી સીતારામ સુપર માર્કેટ સહિત પનીર, ચીઝ અને બટરના ડિસ્ટ્રિબ્યુટર્સને ત્યાં દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કુલ 471 કિલો જેટલું એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે. આ કામગીરી અંગે ફૂડ ઇન્સ્પેક્ટર પી. એમ. ભાવસારે જણાવ્યું હતું કે, FSSAIના નિયમો મુજબ કાર્યવાહી કરવા માટે સરકાર તરફથી સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે. જેને પગલે આવનારા દિવસોમાં પણ શહેરમાં આ પ્રકારનું સઘન ચેકિંગ સતત યથાવત્ રાખવામાં આવશે. 

વેપારીઓ અસલી બટરના નામે ફેટ સ્પ્રેડ વેચી રહ્યા છે

ફૂડ ઇન્સ્પેક્ટરે ખુલાસો કર્યો હતો કે, દરોડા દરમિયાન બ્રાન્ડેડ પનીરનો જથ્થો મળી આવ્યો છે પરંતુ સાથે જ બજારમાં વેચાતા બટર અંગે એક મોટો ખુલાસો થયો છે. કેટલાક વેપારીઓ અસલી બટરના નામે ફેટ સ્પ્રેડ વેચી રહ્યા છે, જે મૂળભૂત રીતે વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવે છે. તેમણે નાગરિકોને ખાસ અપીલ કરી હતી કે સામાન્ય લોકોએ ફેટ સ્પ્રેડને અસલી બટર સમજીને આરોગવું જોઈએ નહીં. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ભેળસેળયુક્ત ખાદ્યચીજો કે એનાલોગ પ્રોડક્ટ્સ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમતો રમનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Amreli News: રાજ્યમાં ગઈકાલે 74 જગ્યાએ દરોડા પાડી 1 હજાર કિલો પનીર સહિતની ચીજો નષ્ટ કરાઈ : આરોગ્ય મંત્રી