વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં નવરામ પાસે નર્મદા કેનાલમાં એક 20 વર્ષીય યુવતીએ ઝંપલાવ્યું છે. આ યુવતીની ઓળખ હાલોલ તાલુકાના આટા ગામની મિત્તલ તરીકે થઈ છે. તે વાઘોડિયાના જૂનારામપુરા ગામે તેના બનેવી અનિલકુમાર મનુભાઈ પરમારને ત્યાં મહેમાન બનીને રહેવા આવી હતી. મિત્તલ અને તેના બનેવી કપડાંની ખરીદી કરવા માટે વાઘોડિયા ગયા હતા. ખરીદી કર્યા બાદ તેઓ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા.
નવારામ પાસે નર્મદા કેનાલમાં યુવતીએ ઝંપલાવ્યું
આ દરમિયાન નવારામપુરા કેનાલ પાસે પહોંચતા જ મિત્તલે ચાલુ બાઇક પરથી અચાનક કેનાલમાં છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવતીને શોધવા માટે કેનાલના પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કલાકોની મહેનત બાદ પણ યુવતીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આસપાસના લોકોના જણાવ્યા મુજબ યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.













