વડોદરા શહેર અને ગ્રામ્યને જોડતા ગોત્રી-અનગઢ રોડ પર આવેલી બેંક ઓફ બરોડા (BOB) ના એટીએમ (ATM) મશીનને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રિના સુમારે અંધારાનો લાભ ઉઠાવીને એટીએમ સેન્ટરમાં ઘૂસેલા તસ્કરોએ પોતાની સાથે લાવેલા લોખંડના ભારેખમ હથોડા વડે મશીનના રોકડ કમ્પાર્ટમેન્ટને તોડવા માટે ધાડા પાડ્યા હતા.

ગોત્રી-અનગઢ રોડ પર ATMમાં ચોરીનો પ્રયાસ

જોકે, એટીએમ મશીનની મજબૂત બોડી અને સિક્યોરિટી લોક ન તૂટતાં ચોરી કરવાનો તસ્કરોનો મનોરથ નિષ્ફળ રહ્યો હતો. મશીનમાંથી કેશ ન નીકળતાં પકડાાઈ જવાના ડરે આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે બેંક સત્તાવાળાઓ અને પોલીસને જાણ થતાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે એટીએમ સેન્ટરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આરોપીઓનું સગડ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 બે આરોપીઓને ઝડપી લીધા

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા શંકાસ્પદ ચહેરાઓ અને વાહનની મૂવમેન્ટના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ તેજ કરી હતી. ટૂંક જ સમયમાં ક્રાઇમ બ્રાન્ચે ચોરીના પ્રયાસમાં સંકળાયેલા બે આરોપીઓ સુરેશ પઢિયાર અને સંજય પઢિયાર ની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી હતી.

પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલો લોખંડનો હથોડો, ગુના આચરવા અને નાસી છૂટવા માટે વાપરેલી એક રિક્ષા તેમજ એક મોબાઇલ ફોન કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને જેલ હવાલે કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ પઢિયાર બેલડીએ અગાઉ વડોદરા કે આસપાસના વિસ્તારમાં કોઈ અન્ય ચોરી કે ઘરફોડ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પણ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: Surat: વેસુ કેનાલ રોડ પર તાજેતરમાં બનેલા રસ્તા પર પડ્યો મસમોટો ભુવો, લોકોમાં આક્રોશ