ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વડોદરાથી ઝડપાયેલા આસામના 22 વર્ષીય શંકાસ્પદ આતંકીની પૂછપરછ અને તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આતંકી ગુજરાતમાં મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યો હતો અને ખાસ કરીને રાજ્યમાં 'લોન વુલ્ફ એટેક' (Lone Wolf Attack) કરવાનું તેનું ષડયંત્ર હોવાની પ્રબળ શંકા સામે આવી છે.

વડોદરાથી ઝડપાયો શંકાસ્પદ આતંકી

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત ATSએ આ શંકાસ્પદ આતંકીને દબોચી લઈને મોટી આતંકી ઘટનાને નિષ્ફળ બનાવી છે. તપાસમાં સામે આવેલી મુખ્ય વિગતો નીચે મુજબ છે:આસામથી વડોદરા આવેલો આ 22 વર્ષીય આતંકી છેલ્લા 1 વર્ષથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાની શંકા છે. ગુજરાત ATS છેલ્લા છ મહિનાથી આ શખ્સ પર નજર રાખી રહી હતી. દરમિયાન 23 નવેમ્બરે ATSને તે ગુજરાત આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે વડોદરામાંથી તેની ધરપકડ કરવામાં આવી.આતંકી પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી જૈશ-એ-મોહમ્મદનું કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું છે. આ ઉપરાંત તેણે ગુજરાતની સંવેદનશીલ જગ્યાઓ અંગે પણ તપાસ (રેકી) કરી હોવાનું ખુલ્યું છે.

શું છે 'લોન વુલ્ફ એટેક' અને તે કેમ ખતરનાક છે?

વડોદરાથી ઝડપાયેલા આતંકી દ્વારા 'લોન વુલ્ફ એટેક'નું પ્લાનિંગ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે, ત્યારે આ હુમલાની પદ્ધતિ સમજવી અત્યંત જરૂરી છે. 'લોન વુલ્ફ એટેક' એટલે કોઈ ગ્રુપ કે ટોળકીને બદલે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો આતંકી હુમલો, જેમાં હુમલાખોર એકલો જ સમગ્ર હુમલાનું આયોજન અને અમલ કરે છે. હુમલાખોર આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રેરિત હોઈ શકે છે અને સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થઈને હુમલા માટે તૈયાર થાય છે. આવા હુમલા પાછળ આતંકી સંગઠનની સીધી સંડોવણી કે સંગઠન સાથે સીધો સંપર્ક હોવો જરૂરી હોતો નથી. હુમલાખોર એકલો જ કોઈ ચોક્કસ વ્યક્તિ કે ભીડભાડવાળા સંવેદનશીલ સ્થળને નિશાન બનાવતો હોવાથી અને કોઈ મોટું નેટવર્ક ન હોવાથી સુરક્ષા એજન્સીઓ માટે આવા હુમલા રોકવા અત્યંત પડકારરૂપ બની રહે છે.

આ પણ વાંચો: Ahmedabad: પકવાન ચાર રસ્તા પર તંત્રનું સર્વે વગરનું આયોજન ઊંધું પડ્યું; બ્રિજ નીચેનું પાર્કિંગ તોડી નાખ્યા બાદ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ