વડોદરામાં જાણીતા યુટ્યુબર અને કલાકાર ભુવન બામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા મનોરંજન જગત અને શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, 'લવારી' નામના શોમાં અશ્લીલતા ફેલાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો આરોપ મુકાયો છે કે આ કોમેડી શો દરમિયાન અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે જાહેર મંચ પર અશોભનીય વાતાવરણ સર્જાયું હોવાનો દાવો કરાયો છે.
અભિનેત્રી સંજીદા શેખ સામે પણ બીભત્સ ઈશારાનો આક્ષેપ
આ મામલે અભિનેત્રી સંજીદા શેખ સામે પણ બીભત્સ ઈશારા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. રજૂઆત અને ફરિયાદ મુજબ, શો દરમિયાન પાણીની બોટલથી અશોભનીય ઈશારા કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ સમગ્ર ઘટના ગત 25 નવેમ્બરના રોજ યોજાયેલા શો દરમિયાન બની હોવાની વિગતો સામે આવી છે, જેના આધારે હવે કાયદાકીય અને પોલીસ કાર્યવાહીની માંગ સાથે મામલો આગળ વધ્યો છે.
