વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં 14 નવેમ્બરની રાત્રે થયેલા એક ગંભીર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલા એક યુવકનું બાઇકચાલકની અડફેટે મોત નીપજ્યું હતું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 14 નવેમ્બરની રાત્રે એક રેસ્ટોરન્ટમાં કામ કરતા બિપીન ગૌતમ જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલા એક બાઇકચાલકે તેને જોરદાર અડફેટે લીધો હતો.


બાઇકચાલકે અડફેટે લેતા યુવકનું થયું હતું મોત

ટક્કર બાદ બાઇક સાથે ઢસડાતા બિપીન ગૌતમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બિપીન ગૌતમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની ઇજાઓ એટલી ગંભીર હતી કે ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને કારણે યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસે સમગ્ર ઘટનાને લઇ તપાસ હાથ ધરી

પોલીસે આ સમગ્ર ઘટના અંગે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ હવે બાઇકચાલકની ઓળખ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. શહેરી વિસ્તારોમાં પણ રોડ ક્રોસ કરતી વખતે રાહદારીઓની સુરક્ષા અને વાહનચાલકોની બેદરકારીને કારણે આ પ્રકારની ગંભીર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.


  • Follow us on: