વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ન્યુ ઇરા હાઇસ્કૂલના કેમ્પસમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.શાળાના રમતના મેદાનમાં મિત્રો સાથે ફૂટબોલ રમી રહેલા ધોરણ 11માં ભણતા એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાના કારણે અકાળે કરુણ મોત નીપજ્યું છે.આ ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર શાળા પરિવાર તેમજ સ્થાનિક વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

વીજળીનો જોરદાર આંચકો લાગ્યો

મળતી માહિતી મુજબ,ન્યુ ઇરા સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળાના મેદાનમાં પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો.રમત દરમિયાન અચાનક બેલેન્સ ગુમાવવાના કારણે તે મેદાનની નજીક આવેલા વીજળીના એક થાંભલાને અડી ગયો હતો.એ થાંભલામાં ચોમાસા કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે ઓપન વાયરિંગથી વીજ પ્રવાહ ઉતરેલો હતો.વિદ્યાર્થીએ થાંભલાને સ્પર્શ કરતાની સાથે જ તેને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો અને તે જમીન પર ઢળી પડ્યો હતો.

સારવાર મળે તે પહેલાં જ વિદ્યાર્થીએ દમ તોડ્યો

ઘટના બનતાની સાથે જ સાથે રમી રહેલા અન્ય વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓ દોડી આવ્યા હતા.તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરંતુ દુર્ભાગ્યવશ હોસ્પિટલ પહોંચે અને તબીબી સારવાર મળે તે પહેલાં જ ટૂંકી ક્ષણોમાં તેણે દમ તોડી દીધો હતો.તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો.

અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

વિદ્યાર્થીના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટ મોર્ટમ અર્થે વડોદરાની એસ.એસ.જી.(SSG) સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શાળા તંત્રની બેદરકારીના કારણે થાંભલામાં કરંટ ઉતર્યો હતો કે કેમ વાયરિંગમાં કોઈ ખુલ્લા તાર હતા કે નહીં તે તમામ પાસાઓ પર પોલીસ અને વિજ કંપનીના ટેકનિકલ સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એક આશાસ્પદ અને રમતગમતમાં રસ ધરાવતા નિર્દોષ બાળકના અકાળે થયેલા અવસાનથી વાલી પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા