વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગુનેગાર સામે મોટી કાર્યવાહી કરતા પંજાબમાં ગન પોઇન્ટ પર કારની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપીને વડોદરામાંથી ઝડપી પાડ્યો છે. અમૃતસરના રહેવાસી સુરજીતસિંહ સરદાર (ઉર્ફે શીના)ની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

15 નવેમ્બરે પઠાણકોટ-જમ્મુ હાઇવે પર મોલ બહાર બંદૂક બતાવી XUV કાર લૂંટી

મળતી વિગતો અનુસાર, આ લૂંટની ઘટના ગત 15 નવેમ્બરના રોજ પંજાબના પઠાણકોટ હાઇવે પર બની હતી. એક પરિવાર પોતાની XUV કાર લઈને પઠાણકોટ-જમ્મુ હાઇવે પર આવેલા એક મોલ ખાતે આવ્યો હતો. પરિવાર મોલની અંદર ગયો હતો અને ડ્રાઇવર મોલ બહાર કાર લઈને ઊભો હતો, તે દરમિયાન આરોપીઓએ ડ્રાઇવરને બંદૂક બતાવીને (ગન પોઇન્ટ પર) ધમકાવીને XUV કારની લૂંટ ચલાવી હતી.

લૂંટ બાદ વડોદરા તરફ ભાગ્યો હતો

પંજાબમાં ગન પોઇન્ટ પર કારની લૂંટની આ સનસનાટીભરી વારદાતને અંજામ આપ્યા બાદ પોલીસથી બચવા માટે મુખ્ય આરોપી સુરજીતસિંહ સરદાર ગુજરાતના વડોદરા તરફ ભાગી આવ્યો હતો. આરોપી વડોદરામાં છુપાયો હોવાની ચોક્કસ માહિતી મળતા જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાળ બિછાવી હતી અને શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી અમૃતસરના સુરજીતસિંહ સરદારને દબોચી લીધો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરીને પંજાબ પોલીસને સોંપવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: મધુબનમાં જૈન શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટી ગઈ, દંપતીનું મોત, 12 થી વધુ ઘાયલ