વડોદરા સાઉથથી લઈને સુરતના ઓલપાડ સુધી 765 KV ની અત્યંત હાઇ-ટેન્શન ટ્રાન્સમિશન લાઇન નાખવાનો મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ હાઇપ્રોફાઇલ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં વિશાળ લોખંડના વીજ ટાવરો અને કેબલિંગ ઉભા કરવાની કામગીરી પાવર ગ્રીડના નેજા હેઠળ ખાનગી કોન્ટ્રાક્ટર ટી.એલ.એલ. (TLL) કંપની દ્વારા કરવામાં આવી રહી છે. ગત 09 જૂનના રોજ રોજિંદી પ્રક્રિયા મુજબ પશ્ચિમ બંગાળથી કમાવા આવેલા ગરીબ શ્રમિકો જમીનથી સેંકડો ફૂટ ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા, ત્યારે કલ્પના ન કરી હોય તેવી ગોઝારી દુર્ઘટના ઘટી હતી.


હાઇટેન્શન ટાવરનો પાયો જ હલી ગયો

પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાઇટેન્શન લાઇન માટે કેબલ ખેંચવાની અને વીજ થાંભલાને લોક કરવાની પ્રક્રિયા ચાલુ હતી. તે સમયે અચાનક મસમોટા લોખંડના થાંભલાનો પાયો હલી ગયો હતો અને સંતુલન ખોરવાઈ જતાં આખેઆખો મહાકાય વીજ થાંભલો ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો. થાંભલા પર અને તેની આસપાસ કામ કરી રહેલા 6 જેટલા શ્રમિકો લોખંડના એંગલો વચ્ચે કચડાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના સીમ વિસ્તારના ખેડૂતો અને મજૂરો લોહીલુહાણ શ્રમિકોને બચાવવા દોડ્યા હતા.

સારવાર કારગત ન નીવડી, મીડિયા સમક્ષ કંપની સુપર સાઈલન્ટ

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ગંભીર આંતરિક અને માથાના ભાગે ઈજાઓ હોવાના કારણે પશ્ચિમ બંગાળના વતની એવા 3 આશાસ્પદ શ્રમિકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો, જ્યારે બાકીના 3 શ્રમિકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ટી.એલ.એલ. કંપની અને પાવર ગ્રીડના જવાબદાર અધિકારીઓ આ ગંભીર લાપરવાહી પર સત્તાવાર નિવેદન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ડભોઈ પોલીસનો મોટો કાફલો ભાવપુરા ગામની સીમમાં પહોંચ્યો હતો અને એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. 

આ પણ વાંચો:Vadodara: માણેજામાં હૃદય ચીરી નાખે તેવી ઘટના, વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ 24 કલાકમાં કર્યો આપઘાત

  • Follow us on: