આપણા સમાજમાં મિત્રતાને સગા ભાઈથી પણ સવાઈ ગણવામાં આવી છે. સુખ અને દુઃખમાં સાથ નિભાવતી મિત્રતાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ વડોદરાના માણેજા વિસ્તારમાંથી સામે આવેલી ઘટના લાગણીઓના અતિરેકની એક એવી દર્દનાક દાસ્તાન છે જે કોઈ પણ પાષાણ હૃદયના માણસને રડાવી દે. વડોદરામાં રહીને મકરપુરા જીઆઇડીસી (GIDC) માં ખાનગી નોકરી કરી પોતાનું પેટ ભરી રહેલા બે પરપ્રાંતીય યુવાનો એક આકસ્મિક આઘાત સામે જિંદગીની જંગ હારી ગયા છે.


11 જૂન રવિશંકરનું ટ્રેન નીચે કૂદીને આત્મબલિદાન

મૂળ બિહારનો વતની રવિશંકર રાજેશકુમાર પ્રસાદ વડોદરાના માણેજા વિસ્તારમાં રહીને મકરપુરા GIDC માં ફાઈટર તરીકે ફરજ બજાવતો હતો. ગત ૧૧ જૂનના રોજ રવિશંકરને વતન બિહારથી એક અત્યંત માઠા સમાચાર મળ્યા કે, ત્યાં રહેતા તેના એક ખૂબ જ નજીકના બાળપણના મિત્રએ કોઈ કારણસર આપઘાત કરી લીધો છે. આ સમાચાર સાંભળતા જ રવિશંકરના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે ઊંડા માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. તેણે તુરંત જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૃત મિત્રનો ફોટો શેર કરીને એક અત્યંત ભાવુક સંદેશ લખ્યો અને સ્ટેટસમાં લખ્યું, "મેં તેરે પાસ આ રહા હું..." (હું તારી પાસે આવી રહ્યો છું). સ્ટેટસ મૂક્યાના ગણતરીના કલાકોમાં જ વ્યથિત રવિશંકરે મકરપુરા રેલવે સ્ટેશન પાસે ધસી આવતી ટ્રેન સામે કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. રેલવે પોલીસે લાશને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.

12 જૂન મિત્રના વિરહમાં રૂમમેટ વિકાસે પણ ફાંસો ખાધો

હજુ તો રવિશંકરના પરિવાાર પર આભ તૂટી પડ્યું હતું, ત્યાં જ આ ઘટનાના બીજા દિવસે એટલે કે 12 જૂને આ જ રૂમમાં વધુ એક અરેરાટીભરી ઘટના ઘટી. રવિશંકરની સાથે એક જ રૂમમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો તેનો પરમ મિત્ર વિકાસ દિનેશ પ્રસાદ પોતાના ભાઈ જેવા મિત્રના અચાનક ટ્રેન નીચે કૂદી જવાના સમાચાર જીરવી શક્યો નહીં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રવિશંકર અને વિકાસ લાંબા સમયથી વડોદરામાં સાથે રહેતા હતા અને બંને વચ્ચે સગા ભાઈ જેવો પ્રેમ હતો. 11 જૂનની રાત્રે રવિશંકરના ગયા પછી વિકાસ સતત રડતો હતો અને તણાવમાં હતો. આખરે અસહ્ય આઘાત સહન ન થતાં 12 જૂનની રાત્રે વિકાસે પણ પોતાના જ રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આઘાત પામેલા યુવકોના એક પછી એક મોત

રોજગારની શોધમાં પોતાના પરિવારથી સેંકડો કિલોમીટર દૂર વડોદરા આવેલા બે જીવલેણ આઘાત પામેલા યુવકોના એક પછી એક થયેલા કરૂણ મોતથી માણેજા પંથકની જનતા સ્તબ્ધ થઈ ગઈ છે. વડોદરા પોલીસે બંને બનાવોમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતકોના પરિવારજનોને યુપી અને બિહાર જાણ કરી છે.

આ પણ વાંચો: Gir Somnath: થોરડી ગામે કેળાના બગીચામાં કામ કરતા કાકા-ભત્રીજા સહિત 3 લોકો પર દીપડાનો હુમલો

  • Follow us on: