વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં રૂપિયા 24 કરોડના પ્રોજેક્ટ હેઠળ બનેલા બે બ્રિજ પૈકી શીહોરા નવા મેસરી નદીના બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે વિજિલન્સ તપાસની ઉગ્ર માગ કરી હોવા છતાં એક મહિનો વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રૂ. 9 કરોડના બ્રિજની એક જ વર્ષમાં કફોડી હાલત

રૂ. 9 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા આ હાઈવે બ્રિજના લોકાર્પણને હજુ માંડ એક વર્ષ થયું છે, ત્યાં જ બ્રિજમાં ઠેર-ઠેર મોટી તિરાડો અને સાઇડના ભાગમાં મોટો ભૂવો પડી ગયો છે. બ્રિજનું આરસીસી ઉખડી જતાં લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ પોતાની પાપલીલા છુપાવવા માટે માત્ર લીપાપોથી કરીને ખામીઓ ઢાંકવાનો નકામો પ્રયાસ કર્યો છે.

એક તરફ કામ શરૂ, બીજી તરફ તંત્ર મૌન

ચોંકાવનારી વાત એ છે કે, આ જ પ્રોજેક્ટ હેઠળ બનેલા પ્રથમપુરા પાસેની કરડ નદીના બ્રિજ પર સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કરોડોના ખર્ચે બનેલા આ મુખ્ય મેસરી નદીના બ્રિજ પર હજુ સુધી કોઈ જ કામ હાથ ધરાયું નથી.

Vadodara News: No Action Over Corrupt Mesri Bridge Despite MLA Demand

"ધારાસભ્યનું વજન નથી પડતું કે અધિકારીઓ હાવી?"

ધારાસભ્ય કેતન ઇનામદાર જેવા સિનિયર નેતાએ લેખિતમાં વિજિલન્સ તપાસની માંગણી કરી હોવા છતાં તંત્ર એક મહિનાથી મૌન ધારણ કરીને બેઠું છે. આ પરિસ્થિતિને જોતાં હવે લોકમુખે ચર્ચાઓ શરૂ થઈ છે કે "શું તંત્ર સામે ધારાસભ્યનું વજન નથી પડતું કે પછી ભ્રષ્ટ અધિકારીઓ શાસકો પર હાવી થઈ ગયા છે?" ભ્રષ્ટાચારના આ જીવતા જાગતા નમૂના સમાન બ્રિજ મામલે જવાબદારો સામે કડક પગલાં ભરાય તેવી લોકમાંગ બુલંદ બની છે.


આ પણ વાંચો - Vadodara: બિલ ટાંકી વિસ્તારમાં રોડ બેસી જતા જનતા ત્રાહિમામ, પાલિકા અને કોર્પોરેટરો સામે જનઆક્રોશ