વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી ખનીજ માફિયાઓ સામે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડેસરના વાકાનેડા વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન પર ખાણ-ખનીજ વિભાગે અચાનક ત્રાટકીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરકારની પરવાનગી વગર કુદરતી સંપત્તિનું નિકંદન કાઢતા તત્વો સામે વિભાગે લાલ આંખ કરી છે, જેના પગલે સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે.

રૂ. 1.60 કરોડથી વધુના મશીનો અને ડમ્પરો સીઝ

ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા રેડ દરમિયાન ઘટના સ્થળેથી ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતા વાહનો અને ભારે મશીનરી ઝડપી લેવામાં આવી છે. આ મેગા ઓપરેશનમાં પોલીસે 2 હિટાચી મશીન અને 3 મોટા ડમ્પર સહિત કુલ રૂ. 1.60 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનન સ્થળ પરથી સીઝ કરવામાં આવેલા આ તમામ વાહનો અને મશીનોને તાત્કાલિક અસરથી ડેસર પોલીસ સ્ટેશન ખાતે લાવીને જમા કરાવી દેવામાં આવ્યા છે.

ખનીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ

આ મામલે ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન કરનારા તમામ જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિભાગના અધિકારીઓ દ્વારા આ કાળો કારોબાર કોની સરપરસ્તી હેઠળ અને કેટલા સમયથી ચાલી રહ્યો હતો, તેમજ આમાં અન્ય કયા કયા લોકો સંડોવાયેલા છે તે દિશામાં ઘનિષ્ઠ અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

સરકારી તંત્રનો ભૂમાફિયાઓને કડક સંદેશ

ડેસર પંથકમાં થયેલી આ મેગા રેડ દ્વારા ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે ખનન કરનારા તત્વોને સ્પષ્ટ અને કડક સંદેશ આપી દીધો છે કે, કુદરતી સંપત્તિની ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. તંત્રની આ આકરી કાર્યવાહીના કારણે ડેસર અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે લીઝ અને રેતી-ખનીજનું વહન કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


આ પણ વાંચો - Vadodaraના ફલોડ ગામમાં દીપડાનો આતંક યથાવત, ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ