વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ગંભીર ચેડાં કરતો એક બોગસ ડૉક્ટર ઝડપાતાં ભારે ચકચાર મચી ગઈ છે. ધોરણ 10 ફેલ હોવા છતાં ડૉક્ટરનું નકલી બોર્ડ લગાવીને પ્રેક્ટિસ કરતા પશ્ચિમ બંગાળના મૂળ વતની બિસ્વજિત હાલદાર નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

દર્દીઓ પાસેથી 25 હજાર સુધીની મોટી રકમ વસૂલતો

આ સમગ્ર મામલે DCP મંજિતા વણઝારાએ આપેલા નિવેદન અનુસાર ઝડપાયેલો આરોપી અકોટા વિસ્તારમાં પ્રેમિલા ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતો હતો.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બોગસ ડૉક્ટર દર્દીઓને બેભાન કર્યા વગર જ ગરમ ચીપિયા વડે હરસ મસાનું ઓપરેશન કરી નાખતો હતો.આ પ્રકારની અતિ જોખમી અને અમાનવીય સારવાર તથા ઓપરેશન માટે તે દર્દીઓ પાસેથી 25 હજાર સુધીની મોટી રકમ વસૂલતો હોવાનું બહાર આવ્યું છે.

આરોપી પાસેથી B.I.A.M.S.ની ડિગ્રી પણ મળી આવી

પોલીસે ક્લિનિક પર દરોડો પાડીને ત્યાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ, ગ્લુકોઝના બાટલા, કફ સિરપ અને તબીબી સાધનો મળીને એકંદર રૂ. 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તપાસ દરમિયાન આરોપી પાસેથી B.I.A.M.S.ની ડિગ્રી પણ મળી આવી છે.જે સંપૂર્ણપણે બોગસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે.આ નકલી ડિગ્રી તેણે ક્યાંથી અને કોની મદદથી બનાવી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.વડોદરા પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે આવી બોગસ વ્યક્તિઓ પાસે સારવાર કરાવવાથી દૂર રહેવું.

આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?