વડોદરા શહેરની પ્રતિષ્ઠિત ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ફરિયાદ સામે આવતા તબીબી અને શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કોલેજના બીજા વર્ષના 3 વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગની ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલે સીધી દિલ્હી સ્થિત નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)માં રજૂઆત કરવામાં આવી છે.

ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદની શરૂઆત બે દિવસ અગાઉ કોલેજ કેમ્પસમાં બનેલી એક ઘટના બાદ થઈ હતી.બે દિવસ અગાઉ કોલેજમાં ફટાકડા ફૂટ્યા હતા, જે મામલાની તપાસ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પોતાની રીતે કરવામાં આવી રહી હતી.આ તપાસ દરમિયાન સિનિયર વિદ્યાર્થીઓએ બીજા વર્ષના 3 જુનિયર વિદ્યાર્થીઓને ગુનો કબૂલવા માટે માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.એટલું જ નહીં, સિનિયરો દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને ઉભા રાખવાની ફરજ પાડ્યાના પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

સીધી NMCમાં ફરિયાદ થતાં સુપ્રીટેન્ડન્ટ ડો. વિશાલા પંડ્યાને મોકલાઈ કોપી

આ ઘટનાથી વ્યથિત થયેલા બીજા વર્ષના 3 વિદ્યાર્થીઓએ સમગ્ર મામલે કોલેજ પ્રશાસન ઉપરાંત સીધી નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)માં ફરિયાદ કરી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને NMCએ આ ફરિયાદની કોપી ગોત્રી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. વિશાલા પંડ્યાને આપી છે. હવે કોલેજની એન્ટી-રેગિંગ કમિટી અને તંત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણમાં શું તપાસ અને કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકી છે.

આ પણ વાંચો: Ahmedabad: દુષ્કાળની જાહેરાતને એક મહિનો થયો પણ હજુ સુધી રાહત કાર્યો શરૂ થયાં નથી; ખેડૂતોએ સરકારને હૈયા સોંસરવા સવાલો પૂછ્યા