ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વડોદરા નજીકથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM) ના શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ સેહારુલ ઇસ્લામની આકરી પૂછપરછમાં તેની કટ્ટરપંથી માનસિકતા અને સમગ્ર આતંકી ષડયંત્રને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારા ખુલાસા થયા છે. આસામના કરીમગંજ જિલ્લાના રહેવાસી અને મદરેસાના 22 વર્ષીય વિદ્યાર્થી સેહારુલ ઇસ્લામે પૂછપરછમાં કબૂલ્યું છે કે "શહાદત જ સ્વર્ગ અને અલ્લાહ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો છે" અને તે વડોદરાના ભારતીય વાયુસેના (IAF) સ્ટેશન પર હુમલો કરીને શહીદી પ્રાપ્ત કરવા માંગતો હતો.

પ્રવાસી બનીને વડોદરા એરફોર્સ સ્ટેશનનું ફિલ્માંકન કર્યુ

ગુજરાત ATSના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાનમાં રહેતો એક હેન્ડલર તેને એક વર્ષથી વધુ સમયથી વોટ્સએપ (WhatsApp) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા આતંકી તાલીમ આપી રહ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે ઇસ્લામે ધરપકડ પહેલા વડોદરા IAF સ્ટેશનની રેકી કરી હતી. તે પ્રવાસી તરીકે દેખાઈને એરફોર્સ સ્ટેશન પહોંચ્યો હતો અને આસપાસના વિસ્તારનું ફિલ્માંકન કર્યું હતું, જે વીડિયો તેના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યો છે. તેણે એરબેઝના દરવાજાના ફોટા પર રેડ ક્રોસ (Red Cross) લગાવ્યો હતો અને મોબાઈલમાં એસોલ્ટ રાઇફલ ફાયરિંગના વીડિયો પણ જોયા હતા. તેના મોબાઈલ ફોન પરથી મળેલો પાકિસ્તાની નંબર અને અન્ય ડિજિટલ સામગ્રી તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ને મોકલવામાં આવી છે.

દાહોદના જંગલમાં ગુપ્ત ડ્રોપ પોઇન્ટ પરથી મળી હતી પાકિસ્તાની બનાવટની AK-47

જપ્ત કરાયેલા હથિયારને આ કેસનું સૌથી મહત્વપૂર્ણ પાસું માનવામાં આવી રહ્યું છે. ATS અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેની પાસેથી મળેલી AK-47 રાઇફલ પાકિસ્તાની બનાવટનું હથિયાર હોવાનું જણાય છે:તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયારો અને જીવંત કારતૂસ તેના માટે દાહોદ જિલ્લાના જંગલમાં એક ગુપ્ત ડ્રોપ પોઇન્ટ પર પહેલાથી ગોઠવાયેલા હતા, જેના આધારે પોલીસને શંકા છે કે આ સમગ્ર મોડ્યુલમાં અન્ય વ્યક્તિઓ પણ સામેલ હતા જે શસ્ત્રો પૂરા પાડતા હતા.ધરપકડ દરમિયાન તેની પાસેથી એક AK-47 રાઇફલ, બે ખાલી મેગેઝિન, 23 જીવંત કારતૂસ, જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ, સિમ કાર્ડ સાથેનો મોબાઈલ ફોન અને આશરે ₹20,000 રોકડા મળી આવ્યા હતા.તેને નવો મોબાઈલ ફોન ખરીદવા અને અન્ય ખર્ચાઓ માટે ₹50,000 આપવામાં આવ્યા હતા, અને જો તે હુમલામાં બચી જાય તો પાકિસ્તાન જઈને જૈશ-એ-મોહમ્મદમાં જોડાવા માંગતો હતો.

કોર્ટે 10 ડિસેમ્બર સુધી ATS કસ્ટડીમાં મોકલ્યો

સ્થાનિક કોર્ટે હવે આતંકી મોહમ્મદ સેહારુલ ઇસ્લામને 10 ડિસેમ્બર સુધી ગુજરાત ATS કસ્ટડી (રિમાન્ડ) માં મોકલી દીધો છે. હાલ તપાસ અધિકારીઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દાહોદના જંગલ સુધી તેને કોણે શસ્ત્રો પૂરા પાડ્યા, ભંડોળનો સ્ત્રોત કોણ હતો અને આ કાવતરામાં અન્ય કોણ-કોણ સામેલ છે. સુરક્ષા એજન્સીઓની સમયસરની સતર્કતાથી ગુજરાતમાં એક મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવી દેવાયો છે.

આ પણ વાંચો: Vadodara: ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ; સીધી NMCમાં ફરિયાદ થતાં સુપ્રીટેન્ડન્ટ ડો. વિશાલા પંડ્યાને અપાઈ કોપી