વડોદરા અને હાલોલને જોડતા મુખ્ય હાઇવે પર જરોદ વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલી એક માલવાહક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રકમાં આગ લાગતા જ ક્ષણવારમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. હાઇવે પર ચાલતી ટ્રકમાંથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

વડોદરા-હાલોલ હાઇવે પર મોટી દુર્ઘટના ટળી

પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકની કેબિનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ડ્રાઇવરને સંભાળવાનો મોકો પણ ન મળ્યો.આગની ગતિ એટલી તીવ્ર હતી કે ટ્રકમાં રહેલો સામાન ગણતરીની મિનિટોમાં ખાખ થઈ ગયો હતો. જોકે, સદ્ભાગ્યે ટ્રક ચાલકે આગ પ્રસરતી જોઈને ત્વરિત સમયસૂચકતા દાખવી હતી અને ચાલતી કેબિનમાંથી સમયસર નીચે કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો.

જરોદથી હાલોલ રોડ પર કોપર ભરેલી ટ્રકમાં ભીષણ આગ

આ ટ્રકની અંદર કરોડો રૂપિયાની કિંમતનો કોપર (તાંબા) નો જથ્થો ભરેલો હતો, જેને આગના કારણે મોટું નુકસાન પહોંચ્યાની આશંકા છે. હાઇવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે જો ચાલકે સમયસર કૂદકો ન માર્યો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:Ahmedabad: વાડજના રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજના કામમાં ભેખડ ધસતાં શ્રમિક દટાયો, સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યો