વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. વડોદરાની હરણી પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરીને મધ્યપ્રદેશથી અમદાવાદ ડ્રગ્સ સપ્લાય કરવા જઈ રહેલા એક દંપતીને લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે પોલીસ બેડામાં અને ડ્રગ્સ માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં લવાતો હતો જથ્થો

પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના રહેવાસી ઐયુબખાન જમાનખાન અને તેની પત્ની નાઝમીન સ્કોર્પિયો કારમાં સવાર થઈને મોટા પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સ લઈને નિકળ્યા હતા. આ દંપતી મધ્યપ્રદેશથી ડ્રગ્સ લઈને અમદાવાદના રવિ નામના શખ્સને ડિલિવરી આપવા માટે જઈ રહ્યું હતું, અને રવિ વડોદરામાં આવીને આ ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો. જોકે, પોલીસની સતર્કતાના કારણે આ મોટું નેટવર્ક પકડાઈ ગયું છે.

Vadodara News: MD Drugs Worth 41 Lakhs Seized in Vadodara; Couple Arrested by Harani Police

છેતરપિંડી માટે પત્નીએ છાતી પર બાંધ્યા હતા ડ્રગ્સના પેકેટ

પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પોલીસ ચેકિંગ દરમિયાન પકડાઈ ન જવાય તે માટે આરોપી મહિલા નાઝમીને 1 કિલો ઉપરાંતના ડ્રગ્સના પેકેટ પોતાની છાતી ઉપર બાંધીને છુપાવ્યા હતા. પોલીસ પણ આ ચાલાકી જોઈને ચોંકી ગઈ હતી.

કુલ 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રિમાન્ડની તજવીજ

હરણી પોલીસે દંપતી પાસેથી 41 લાખ રૂપિયાની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો અને સ્કોર્પિયો કાર સહિત કુલ 57.19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દંપતી સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી લીધો છે. આ ડ્રગ્સ ક્યાં આપવાનું હતું અને આ નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે, તે તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસે દંપતીના રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Vadodara News: ભરૂચ જઈ રહેલી ટ્રેન મુસાફરને છાતીમાં દુઃખાવો ઉપડતાં ટ્રેન રોકવામાં આવી, સારવાર દરમિયાન મોત