રાજ્ય સરકાર દ્વારા એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરના બિનઅધિકૃત વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ હરકતમાં આવ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના ચાર અલગ-અલગ ઝોનમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ તપાસ દરમિયાન શહેરના વિવિધ 14 યુનિટો પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટા પાયે ગેરકાયદેસર એનાલોગ પનીર અને અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવી હતી.

362 kg એનાલોગ પનીર જપ્ત અને 471 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ આકસ્મિક તપાસ દરમિયાન ચાર ઝોનમાંથી કુલ 362 કિલો જેટલું એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માનવ વપરાશ માટે અયોગ્ય અને આરોગ્ય માટે હાનિકારક એવા કુલ 471 કિલો અખાદ્ય જથ્થાનો ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય વાઘોડિયા સ્થિત દ્વારકેશ ડેરીમાંથી પણ અખાદ્ય માલુમ પડેલ 9 કિલો બટરનો જથ્થો અધિકારીઓએ સ્થળ પર જ નષ્ટ કરાવ્યો હતો.

જાણીતી ડેરીઓ અને ટ્રેડર્સમાંથી ઝડપાયો મોટો જથ્થો
દરોડા દરમિયાન વડોદરાના વિવિધ વેપારીઓ પાસેથી મળેલા એનાલોગ પનીરના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં હરે ક્રિષ્ના ટ્રેડર્સ પાસેથી સૌથી વધુ 291 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ સિવાય ક્રીશીવ એન્ટરપ્રાઈઝમાંથી 80 કિલો, વ્હાઇટ હાઉસ ડેરીમાંથી 79 કિલો અને શિવાંશ એન્ટરપ્રાઈઝમાંથી 12 કિલો એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે તમામ એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવી ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.
આ પણ વાંચો - Vadodara News : ગોત્રી સ્મશાન બહાર મળેલી ખોપડી-હાડકાંનું રહસ્ય ઉકેલાયું, ફોરેન્સિકે કરી સત્તાવાર સ્પષ્ટતા...