વડોદરાના ગોત્રી સ્મશાન ગૃહની બહાર અસ્થિઓ મળી આવવાની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી, જે અંગે ફોરેન્સિક વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે ફોરેન્સિક વિભાગ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે મળી આવેલા આ અસ્થિઓ કોઈ મનુષ્યના નહીં, પરંતુ વાનરના હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. આ ખુલાસા બાદ તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ખોપડી, પાસળી અને કરોડરજ્જુ મળી

આ સમગ્ર મામલે નિષ્ણાત ડૉ. હિતેશ રાઠોડે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે સ્થળ પરથી મળી આવેલા અવશેષોની ઝીણવટભરી વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી વાનરની ખોપડી, પાસળી અને કરોડરજ્જુના હાડકાં મળી આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. પ્રાથમિક તપાસમાં હાડકાં માનવ સમાન લાગતા ભ્રમ ફેલાયો હતો, પરંતુ ફોરેન્સિક એનાલિસિસથી તે પ્રાણી (વાનર) ના હોવાનું સ્પષ્ટ સાબિત થયું છે.

ડૉ. હિતેશ રાઠોડનું નિવેદન

ડૉ. હિતેશ રાઠોડે વધુમાં ખુલાસો કરતા જણાવ્યું છે કે સંભવતઃ કોઈ મૃત વાનરના મૃતદેહને અજાણતા જ નજીકની કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો હશે. ત્યારબાદ કચરો સળગાવવામાં આવતા તેની સાથે વાનરનો મૃતદેહ પણ સળગી ગયો હતો અને માત્ર તેના અસ્થિઓ જ બાકી રહ્યા હતા. આ વૈજ્ઞાનિક વિશ્લેષણથી અસ્થિઓ મળવા પાછળનું રહસ્ય હવે સંપૂર્ણપણે ઉકેલાઈ ગયું છે.

આ પણ વાંચો : Gandhinagar News : પનીર-ચીજ-બટર પર પ્રતિબંધ બાદ એક્શનમાં તંત્ર, હોટલ-રેસ્ટોરન્ટમાં તાબડતોબ દરોડા