આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે વડોદરા શહેરમાં અલગ-અલગ સ્થળોએ નાના-મોટા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમા વિસ્તારમાં આવેલું ઇન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેગા ઇવેન્ટમાં વહેલી સવારથી જ વડોદરાના ખેલાડીઓ, સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકો યોગ મેટ સાથે ગ્રાઉન્ડ પર ગોઠવાઈ ગયા હતા.
જીતુ વાઘાણીએ નેતૃત્વ સંભાળ્યું
ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી જીતુ વાઘાણી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે જેને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આખી દુનિયાએ સ્વીકારી છે. મંત્રી જીતુ વાઘાણીએ પ્રોટોકોલ મુજબ માત્ર સ્ટેજ પરથી હાજરી ન આપતા, પોતે પણ ગ્રાઉન્ડ પર બેસીને સ્થાનિક નેતાઓ અને આમ જનતાની સાથે કપાલભાતી, અનુલોમ-વિલોમ અને સૂર્ય નમસ્કાર જેવા મહત્વપૂર્ણ આસનો કર્યા હતા.










