વડોદરા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે 48 ફરી એકવાર માર્ગ અકસ્માતથી રક્તરંજીત બન્યો છે. મળતી સત્તાવાર માહિતી અનુસાર, મહારાષ્ટ્ર પાસિંગનો એક ટેમ્પો દૂધનો જથ્થો ભરીને વડોદરા તરફ આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન કરજણ હાઇવે પર આવેલી પ્લેજર ઇન્ડિયા કંપની નજીકથી પસાર થતી વખતે ટેમ્પોના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા તો આગળ જતા વાહને અચાનક બ્રેક મારતા, આ દૂધનો ટેમ્પો આગળ ચાલતા અજાણ્યા વાહનના પાછળના ભાગે અત્યંત વેગ સાથે ભટકાયો હતો.


કંડક્ટર કેબિનમાં ફસાયો, ફાયરનું હાઇ-ટેક રેસ્ક્યુ

અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આખી કેબિન દબાઈ ગઈ હતી અને આગળનો ભાગ કચડાઈને લોખંડના ભંગાર જેવો થઈ ગયો હતો. જેના કારણે ચાલક ડ્રાઇવરનું સ્પોટ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેની બાજુમાં બેઠેલો કંડક્ટર લોખંડના પતરાં વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને પીડાથી ચીસો પાડી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.

ભારે જહેમત બાદ કંડક્ટરને જીવતો બહાર કાઢ્યો

ફાયર ફાઇટરોએ હાઇવે પર જ હાઇડ્રોલિક ટૂલ્સ અને ગેસ કટરનો ઉપયોગ કરીને ટેમ્પોના પતરાં કાપ્યા હતા અને ભારે જહેમત બાદ કંડક્ટરને જીવતો બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલ્યો હતો. કરજણ પોલીસે મૃતકના શવને પીએમ અર્થે મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Jetpur: જૂનાગઢ રોડ સ્થિત શિવમપાર્કમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

  • Follow us on: