વડોદરા શહેરના છાણી રોડ વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે એક યુવતીનું શારીરિક અને આર્થિક શોષણ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મળતી સત્તાવાર માહિતી મુજબ, તુલસીવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી અવારનવાર બીમાર રહેતી હોવાથી તેનો પરિવાર ઇલાજ માટે છાણી રોડ પર રહેતા તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમાર પાસે ગયો હતો.
વડોદરામાં ઢોંગી તાંત્રિકનો પર્દાફાશ
તાંત્રિક ગિરીશ પરમારે યુવતીના પરિવારને ડરાવીને "તારામાં ડાકણ બેઠી છે" તેવું કહી વિધિ કરવાના નામે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ ઉપરાંત ધાગા-દોરા અને વિધિના નામે પરિવાર પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી હતી. આ શારીરિક અને માનસિક શોષણથી કંટાળીને આશરે 6 મહિના અગાઉ પીડિત યુવતીએ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે કુંભારવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, જેના ભાગરૂપે મૃતક યુવતીનો મોબાઈલ ફોન વધુ તપાસ અર્થે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલવામાં આવ્યો હતો.
