વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સાવલીના લામડાપુરા ગામે વર્તમાન સરપંચના પુત્રએ ગામમાં ખુલ્લેઆમ આતંક મચાવ્યો હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. સરપંચના પુત્રએ બહારથી ભાડૂતી ગુંડા તત્વોને બોલાવીને ગ્રામજનો પર હુમલો કરાવ્યો હોવાની અને તલવાર જેવા ધારદાર હથિયારો સાથે ગામમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાની ઘટનાને પગલે સમગ્ર તાલુકામાં ભારે ચકચાર મચી ગઈ છે.
તલવાર-ધારદાર હથિયારો સાથે ગુંડાઓ ત્રાટક્યા
સ્થાનિકો પાસેથી મળતી વિગતો અનુસાર, સરપંચના પુત્ર ઉપેન્દ્ર ઉર્ફે મુન્ના પરમાર સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. મુન્ના પરમારે અજાણ્યા અસામાજિક તત્વો અને ગુંડાઓને ગામમાં બોલાવ્યા હતા. આ માથાભારે શખ્સો હાથમાં તલવારો અને અન્ય મારક હથિયારો સાથે લામડાપુરા ગામમાં ધસી આવ્યા હતા અને આતંક ફેલાવ્યો હતો. આ ટોળકીએ ગામના રહીશો પર હુમલો કરવાની સાથે રસ્તા પર પાર્ક કરેલી બાઈક સહિત અનેક વાહનોમાં નિર્દયતાપૂર્વક તોડફોડ કરી હતી, જેના કારણે શાંત ગામમાં અચાનક દહેશત અને તણાવનો માહોલ વ્યાપી ગયો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ગામમાં ગુંડાઓ જે રીતે બેખૌફ બનીને હથિયારો લહેરાવી રહ્યા હતા અને તોડફોડ કરી રહ્યા હતા, તે સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વડોદરા ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે. સમગ્ર મામલો મંજુસર પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસે તુરંત ગુનો નોંધી હરકતમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તોડફોડ કરનારા ગુંડાઓ અને મુખ્ય સૂત્રધારની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
કાયદો હાથમાં લેનારા સામે કડક પગલાં ભરવા ગ્રામજનોની ઉગ્ર માંગ
આ ઘટનાને પગલે સાવલી તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ગરમાવો આવી ગયો છે. સરપંચ જેવા જવાબદાર પદ પર રહેલા પરિવાર દ્વારા જ ગામમાં ગુંડાગર્દી આચરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ છે. લામડાપુરાના ગ્રામજનોએ એકઠા થઈને મંજુસર પોલીસ પાસે માંગ કરી છે કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારનારા અને ગામની શાંતિ હણનારા તમામ દોષિતો સામે વહેલી તકે કડક કાનૂની પગલાં ભરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો