વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશનમાં સામાન્ય મારામારીની ફરિયાદને ‘લવ જેહાદ’ના ગંભીર કેસમાં ફેરવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની તોતિંગ લાંચ માંગવાના ચકચારી ગુનામાં સંડોવાયેલા તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એ. ચારણને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી કાનૂની રાહત સાંપડી છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગુનો દાખલ કરાયા બાદ છેલ્લા ૭ મહિનાથી ધરપકડથી બચવા નાસતા ફરતા પૂર્વ પીઆઈ ચારણની વચગાળાની જામીન અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. જોકે, અદાલતે આ રાહત આપવાની સાથે તેમને આગામી 17 નવેમ્બર 2026 સુધીમાં સત્તાવાર રીતે હાજર થઈ પોતાના નિવેદનો નોંધાવવા અને તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપવા કડક શરતી આદેશો જારી કર્યા છે.
લવ જેહાદનું ભૂત ધૂણાવી 2 લાખની લાંચ માંગી હતી
પાદરા પોલીસ મથકે નોંધાયેલી સામાન્ય તકરારના કેસમાં સમાધાન કરાવવા અને આરોપી પક્ષને કનડગત ન કરવા માટે તત્કાલીન પીઆઈ વી.એ. ચારણે સમગ્ર મામલાને ‘લવ જેહાદ’માં ખપાવી દેવાની ગર્ભિત ધમકી આપી હતી.ભોગ બનનાર પાસેથી શરૂઆતમાં તોતિંગ રકમની માંગણી કર્યા બાદ આખરે ₹૨ લાખની લાંચ નક્કી કરવામાં આવી હતી.ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કરતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં પીઆઈ વતી લાંચની રકમ સ્વીકારવા આવેલો ખાનગી વચેટિયો સાજિદઅલી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. વચેટિયાની ધરપકડ થતાં જ ભાંડો ફૂટી જવાની બીકે પીઆઈ વી.એ. ચારણ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતા.
