વડોદરામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અત્યંત મહત્વકાંક્ષી ગરીબ-મધ્યમવર્ગીય આવાસ યોજનાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ટોળકીનો ગોરવા પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના સુભાનપુરા અને ગોરવા વિસ્તારમાં વડાપ્રધાન આવાસ યોજના (PMAY) હેઠળ સસ્તા ભાવે મકાન અને દુકાનો ફાળવી આપવાની સત્તાવાર વાતો કરીને ચાર નિર્દોષ અરજદારો પાસેથી આશરે રૂપિયા ૬૩.૫૫ લાખ પડાવી લેવાનો સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો છે. ગોરવા પોલીસે તાત્કાલિક એક્શન લઈ આ રેકેટના મુખ્ય સૂત્રધાર કશ્યપ જોષી અને તેના સાગરીત રોહન સોલંકીની ધરપકડ કરી લીધી છે.
ગોરવા અને સુભાનપુરામાં મકાન-દુકાનની લાલચ આપી લાખો ખંખેર્યા
આરોપીઓએ વડોદરાના પોશ અને વિકસતા ગોરવા તથા સુભાનપુરા વિસ્તારમાં બની રહેલા સરકારી આવાસોમાં સીધા ક્વોટામાંથી મકાન તેમજ પ્રાઈમ લોકેશનની દુકાનો અપાવી દેવાની લોભામણી ખાતરીઓ આપી હતી.પોતાના ઘર અને રોજગારનું સ્વપ્ન જોતાં ચાર ભોગ બનનારા ગ્રાહકોને વિશ્વાસમાં લઈ આરોપીઓએ અલગ-અલગ હપ્તેથી કુલ ₹63,55,000 ની તોતિંગ રકમ પોતાના મળતિયા એકાઉન્ટ્સ અને રોકડ સ્વરૂપે પડાવી લીધી હતી.મહિનાઓ વીતવા છતાં મકાન કે દુકાનનો કબજો ન મળતાં અને પૈસા પાછા માંગવા જતાં આરોપીઓએ હાથ ઊંચા કરી દેતાં આખરે ભોગ બનેલા નાગરિકોએ પોલીસનો આશરો લીધો હતો.
પોલીસે 3.50 લાખ જપ્ત કર્યા, કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ફરિયાદ દાખલ થતાં જ ગોરવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.પોલીસે સઘન ફિલ્ડિંગ ગોઠવીને મુખ્ય કથિત માસ્ટરમાઇન્ડ કશ્યપ જોષી અને તેના સાથીદાર રોહન સોલંકીને દબોચી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે હાલ પૂરતી રૂપિયા 3.50 લાખની રોકડ રકમ કબ્જે કરી છે.આરોપીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે બંને આરોપીઓના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી આ કાંડમાં ગયેલા બાકીના નાણાં ક્યાં રોકાયા છે તેની રિકવરી કરી શકાય.
કૌભાંડમાં સરકારી કચેરીના મળતિયાઓ સામેલ? અન્ય આરોપીઓની શોધખોળ
રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.સરકારી આવાસના બોગસ ફોર્મ, નકલી એલોટમેન્ટ લેટર કે મંજૂરીના દસ્તાવેજો બનાવવામાં વડોદરા મહાનગરપાલિકા (VMC) કે આવાસ બોર્ડના કોઈ અંદરના કર્મચારીની મિલીભગત છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.આ સિવાય ટોળકી સાથે સંકળાયેલા અન્ય વચેટિયાઓ અને એજન્ટોની ઓળખ કરી તેમને પકડવા માટે ગોરવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવાની કવાયત તેજ કરી છે.
આ પણ વાંચો: Ambaji: CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી ધામ પહોંચ્યા; મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતની સુખાકારી માટે કરી વિશેષ પ્રાર્થના