વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીના એરપોર્ટ આગમનથી લઈને કાર્યક્રમ સ્થળ પેવેલિયન સુધીના સમગ્ર રૂટ પર ચુસ્ત અને આકરો બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવાયો છે.

વડોદરા પૂર્વે પોલીસ છાવણીમાં ફેરવાયું

પ્રધાનમંત્રીના કાફલાના રૂટ પર 2,000 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે. સુરક્ષાની કમાન્ડ 11 DCP (ડિપ્યુટી કમિશનર ઓફ પોલીસ) અને 17 ACP (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) કક્ષાના અધિકારીઓ સાંભળશે. પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સંસ્કારી નગરીના તમામ સંવેદનશીલ સ્થળો અને ઊંચી ઇમારતો પર પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે.

એરપોર્ટથી પેવેલિયન સુધી કડક બંદોબસ્ત

એરપોર્ટ રોડ, કાલાઘોડા, પેવેલિયન ગ્રાઉન્ડ સહિતના મુખ્ય જંકશનો પર રક્ષણ પૂરું પાડવા માટે ક્ષેત્રીય અધિકારીઓ ખડેપગે રહેશે.રૂટ પર આવતા તમામ સંવેદનશીલ પોઇન્ટ પર ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને એસઆરપી (SRP) ની ટુકડીઓ ગોઠવાશે. કાર્યક્રમ દરમિયાન સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો અને ટ્રાફિક ડાયવર્ઝનનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  Ahmedabad: કિંજલ રબારીના પૂર્વ પતિ સાથે સિવિલ કોર્ટમાં છૂટાછેડાનો કેસ અને અગાઉ આંતરજ્ઞાતીય લગ્ન સમયના વિવાદો ફરી સપાટી પર