કેન્દ્ર સરકારના 'નશા મુક્ત ભારત' અભિયાનને સાર્થક કરવા માટે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને નશાના વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે માત્ર 24 કલાકના ટૂંકા સમયગાળામાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.

ડભોઈ, કરજણ, ચાણોદ અને વરણામામાં 4 કેસ નોંધાયા

વડોદરા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત સઘન ચેકિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડભોઈ, કરજણ, ચાણોદ અને વરણામા વિસ્તારમાંથી કુલ 4 અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડ્રગ્સનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

6 કિલોથી વધુ ગાંજો અને રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસની આ 24 કલાકની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન કુલ 6 કિલોગ્રામથી વધુનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા આ ઓપરેશનમાં કુલ રૂ. 3 લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને કુલ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આરોપીઓની કડક પૂછપરછ અને સ્રોતની તપાસ શરૂ

પકડાયેલા ચારેય આરોપીઓને કસ્ટડીમાં લઈને પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવતા હતા અને કયા શખ્સોને પહોંચાડવાના હતા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આ ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાય.


આ પણ વાંચો: Vadodara News: મહી નદી પ્રદૂષિત કરતી પોઇચાની સુદીપ ન્યુટ્રિશિયન કંપનીને GPCBએ ક્લોઝર નોટિસ ફટકારી