વડોદરા શહેરના ઐતિહાસિક અને પ્રમુખ રાજમહેલ રોડ પર એક મોટો અને વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક સાથે 4 વાહનો ધડાકાભેર એકબીજા સાથે અથડાતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં વડોદરા શહેર પોલીસની મહત્વપૂર્ણ ટીમોના વાહનો સામેલ હોવાથી ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
બોમ્બ અને ડોગ સ્ક્વોડના વાહનો અથડાયા
મળતી માહિતી મુજબ, વડોદરા શહેર પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પોતાના વાહનો સાથે મુવમેન્ટમાં હતી. તે દરમિયાન રાજમહેલ રોડ પરથી પસાર થતી વેળાએ એક ડમ્પર અને પોલીસ કાફલા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, 1 ડમ્પર અને 3 પોલીસ વાહનો સહિત કુલ 4 ગાડીઓ એકબીજા સાથે અથડાઈ પડી હતી.
પોલીસ વાહનોને ભારે નુકસાન અને કર્મચારીઓ ઇજાગ્રસ્ત
વાહનો વચ્ચેની ધડાકાભેર ટક્કરને કારણે પોલીસ વિભાગની ત્રણેય ગાડીઓના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું છે. આ બનાવમાં ફરજ પર તૈનાત કેટલાક પોલીસકર્મીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નવાપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અકસ્માત બાદ રાજમહેલ રોડ પર ટ્રાફિક જામ થઈ જતાં પોલીસે તાત્કાલિક ક્રેન અને અન્ય સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
નવાપુરા પોલીસે આ મામલે ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, ડમ્પરની ઝડપ કે અન્ય કોઈ બેદરકારી જવાબદાર હતી કે, કેમ તે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો - Vadodara News: વાઘોડિયાની કલપચંદ્ર સોસાયટીમાં ગટરના પાણી ફરી વળતા રહીશોનો ભારે વિરોધ