વડોદરા શહેરના ગીચ અને ધમધમતા રાવપુરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક માહિતી કચેરી પાસે અચાનક એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રસ્તા પર બંધ પડી રહેલી કારમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ફાયર બ્રિગેડે હાથ ધરી કામગીરી
કારમાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં અને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતાં જ ફાયર ફાઈટરોની ટીમ લશ્કરના કાફલા સાથે ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.

