વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2003માં જે વાયબ્રન્ટ ગુજરાતનું વિઝન શરૂ કર્યું હતું, તે આજે માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ ન રહેતા વૈશ્વિક ભાગીદારીનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. વડોદરામાં આયોજિત રિજનલ વાયબ્રન્ટ સમિટ મધ્ય ગુજરાતના ઉદ્યોગો માટે પાવર હાઉસ સાબિત થવા જઈ રહી છે. આ સમિટ અંતર્ગત વડોદરાની સ્કિલ, ઇનોવેશન અને એન્જિનિયરિંગ ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી છે.
મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ ક્ષેત્રે વડોદરા ઇતિહાસના પાને
આ કાર્યક્રમ દરમિયાન મંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં મધ્ય ગુજરાતની તાકાત રજૂ કરતા એક અત્યંત રોમાંચક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વડોદરામાં ટાટા અને એરબસના સહયોગથી સ્થાપિત દેશના સર્વપ્રથમ એરોસ્પેસ પ્રોજેક્ટ હેઠળ ભારતનું પ્રથમ સ્વદેશી લશ્કરી વિમાન "C295 એરક્રાફ્ટ" સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે અને તેણે આકાશમાં પોતાની પ્રથમ સફળ ઉડાન પણ ભરી લીધી છે. આજે ભારત ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સંરક્ષણના સાધનોની નિકાસ કરી રહ્યું છે, જેમાં વડોદરા મોખરે છે.










