વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર પંથકમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા હતા. ખેતરોમાં ઊભા પાકને બચાવવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. સામાન્ય સંજોગોમાં ખેતી વિષયક વીજ પુરવઠો નિયમિત સમયગાળા માટે મળતો હોય છે, પરંતુ અપૂરતા વરસાદને કારણે પંપિંગ અને સિંચાઈ માટે વધુ વીજળીની આવશ્યકતા ઊભી થઈ હતી, જેનાથી પાક સુકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું હતું.
ધારાસભ્ય અક્ષય પટેલની સરકારમાં રજૂઆત
ખેડૂતોની આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને કરજણ-શિનોર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. તેમણે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને ઉર્જામંત્રીને પત્ર લખીને ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજળી 8 કલાકના બદલે વધારીને 12 કલાક આપવા માટે ખાસ માંગણી કરી હતી, જેથી સિંચાઈનું કામ અટક્યા વગર પૂર્ણ થઈ શકે.

ઉર્જા વિભાગે ઈ-મેલ દ્વારા આપી મંજૂરીની જાણ
ધારાસભ્યની આ રજૂઆત અને વિસ્તારના ખેડૂતોની સ્થિતિને ગંભીરતાથી લઈને ગુજરાત સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે. ઉર્જા વિભાગ દ્વારા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને અધિકૃત ઈ-મેલ મારફતે જાણ કરવામાં આવી છે કે, કરજણ-શિનોર વિસ્તારમાં ખેતી વિષયક વીજ પુરવઠો દૈનિક 10 કલાક આપવાની મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતોમાં આનંદ અને રાહતની લાગણી
સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી કરજણ અને શિનોર તાલુકાના હજારો ખેડૂતોને મોટી રાહત મળશે. 10 કલાક સુધી સળંગ વીજળી મળવાથી ખેડૂતો પોતાના સુકાતા પાકને પૂરતું પાણી પાઈ શકશે અને મોટા આર્થિક નુકસાનમાંથી બચી શકશે. સ્થાનિક આગેવાનો અને ખેડૂત સમુદાયે આ નિર્ણયને આવકારીને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
https://twitter.com/sandeshnews/status/2097574108288659567
આ પણ વાંચો: Vadodaraમાં ગણેશ પંડાલ પર હુમલો! 3 ઈસમો CCTV માં કેદ થતાં બાપોદ પોલીસે શરૂ કરી તપાસ