વડોદરા જિલ્લાના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા શિનોર તાલુકાના પુનિયાદ ગામે આજે એક રાષ્ટ્રીય કક્ષાની સામાજિક ખોટ અનુભવી છે. ભાજપ જ્યારે વિપક્ષમાં હતું અને જનસંઘના નામે માત્ર ગણ્યાગાંઠ્યા કાર્યકરો હતા, તે કપરા કાળથી વડોદરા જિલ્લાના ગામડાઓમાં રાષ્ટ્રવાદ અને સંગઠનની વિચારધારાને જીવંત રાખનારા વરિષ્ઠ નેતા ચંદ્રવદન પટેલ (પુનિયાદ) નું અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ શોકસંદેશ જાહેર કરીને સદ્ગતના રાષ્ટ્ર અને પક્ષ પ્રત્યેના સમર્પણને બિરદાવ્યું છે.
પીએમ મોદી સાથેનો દાયકાઓ જૂનો નાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં સંઘના પ્રચારક અને ત્યારબાદ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે વડોદરા ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે આવતા હતા, ત્યારથી તેઓ ચંદ્રવદન પટેલના રાષ્ટ્રપ્રેમ અને વહીવટી કુશળતાથી પ્રભાવિત હતા. વડાપ્રધાને પોતાના આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ચંદ્રવદન પટેલે શિનોર વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગીય ખેડૂતોના હિત માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો. સિંચાઈના પાણીની સમસ્યા હોય કે પાક વીમા અને બજાર ભાવોની રજૂઆત, ચંદ્રવદનભાઈ હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા હતા અને શિનોર પંથકને કૃષિ ક્ષેત્રે ન્યાય અપાવવા મહત્વની જવાબદારીઓ સંભાળી હતી.










