વડોદરા શહેરની મધ્યસ્થ અને સૌથી મોટી એસએસજી (SSG) હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કેસોને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા મહેશભાઈ તડવી નામના દર્દીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીની શારીરિક સ્થિતિ ગંભીર જણાતાં હોસ્પિટલના નોડલ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ તેમની વિશેષ સારવાર શરૂ કરવામાં આવી છે.

SSG હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને લઈને તંત્ર એલર્ટ

બીજી તરફ, અગાઉ સારવાર હેઠળ રહેલી મુસ્કાન નામની દર્દી સંપૂર્ણ રીતે સાજી થઈ જતાં તબીબો દ્વારા તેને હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) આપવામાં આવી છે, જે રાહતના સમાચાર છે. આ ઉપરાંત અન્ય એક દર્દીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતાં તેને પણ ઓબ્ઝર્વેશનમાં રાખીને સેમ્પલ ટેસ્ટિંગ સહિતની સારવાર આપવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.

મેડિકલ સ્ટાફ 'રેડી મોડ' પર

સ્વાઇન ફ્લૂના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાયરસના સંક્રમણને અટકાવવા માટે તાકીદના ધોરણે 25 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે.સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ 25 બેડનો અલાયદો વોર્ડ ઊભો કરાયો છે. નિષ્ણાત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને ચોવીસે કલાક 'રેડી મોડ' માં રાખવામાં આવ્યો છે. જરૂરી ઓક્સિજન, ટેમીફ્લૂ દવાઓ અને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (PPE) કિટ્સ સહિતનો લોજિસ્ટિક્સ સ્ટોક પૂરતા પ્રમાણમાં સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: નરોડામાં સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરનાર જયદીપ રબારી ઝડપાયો