ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા વડોદરામાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા મૂળ આસામના 22 વર્ષીય આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી છે.વડોદરાના જરોદ વિસ્તાર અને હોટેલમાંથી ઝડપાયેલા આ આતંકી પાસેથી ઘાતક AK 47 રાયફલ અને 23 જીવતા કારતુસ કબ્જે કરીને ATSએ UAPA એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.આતંકીઓનો ફાયરિંગ પ્રેક્ટિસ કરતો વીડિયો પણ સામે આવ્યો છે. વડોદરા પોલીસે આ આતંકીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

હોટલની બહારથી જ આતંકીને કોર્ડન કરી લીધો

વડોદરા હાલોલ રોડ પર આવેલી દર્શન હોટલ પાસે એટીએસની ટીમે હોટલની બહારથી જ આતંકીને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.એટીએસ દ્વારા દર્શન હોટલ ખાતેથી આરોપીને સાથે રાખીને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ત્યારબાદ પોલીસના ફૂલ બંદોબસ્ત સાથે આરોપીને વાઘોડિયા ખાતે લાવવામાં આવ્યો હતો અને વાઘોડિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.આતંકીને અદાલતમાં રજૂ કરવાની પ્રક્રિયાને ધ્યાને રાખીને કોર્ટ પાસે પહેલેથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.કોર્ટ પરિસર અને આસપાસના સમગ્ર વિસ્તારમાં પોલીસ જવાનો ખડેપગે તહેનાત રહ્યા હતા.આ દરમિયાન આરોપીને જોવા માટે વાઘોડિયા કોર્ટ પરિસરની બહાર મોટા લોકટોળાં ઉમટી પડ્યાં હતાં.લોકોની ભારે ભીડ એકઠી થતાં કોર્ટ બહાર પણ પોલીસ બંદોબસ્ત સતર્ક બની ગયો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે, આરોપી તરફે વકીલ કોણ છે? આરોપી તરફ વકીલ મળ્યા બાદ કાર્યવાહી આગળ વધશે.  

આતંકી ષડયંત્રને લઈને એક પછી એક ચોંકાવનારા ખુલાસા

ગુજરાત ATSની આકરી પૂછપરછ અને તપાસમાં આતંકી ષડયંત્રને લઈને એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.તપાસ દરમિયાન આતંકીઓનો ફાયરિંગ પ્રેક્ટિસ કરતો વીડિયો સામે આવ્યો છે.આ ઉપરાંત તેના મોબાઈલમાંથી AK-47 હથિયારની ટ્રેનિંગના વીડિયો પણ મળી આવ્યા છે.આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામને વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવાનો ટાસ્ક મળ્યો હતો અને તે આગામી બે-ચાર દિવસમાં જ મોટો આતંકી હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આતંકીએ પોતાના ટાર્ગેટની રેકી કરી હતી અને તેના મોબાઈલ ફોનમાંથી વડોદરા એરફોર્સના ગેટના ફોટા તેમજ જૈશ-એ-મોહમ્મદનું કટ્ટરપંથી સાહિત્ય અને આતંકીઓ સાથેના કનેક્શનના પુરાવા મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ Vadodara: YouTube પરથી AK-47 ચલાવતા શીખ્યો, દાહોદથી હથિયાર મેળવ્યું; આતંકીઓનો ફાયરિંગ પ્રેક્ટિસ કરતો વીડિયો સામે આવ્યો