વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. તાંદલજા વિસ્તારમાં એક બેફામ આવી રહેલા રોડ રોલરે મોપેડ પર સવાર 3 યુવતીઓને જોરદાર અડફેટે લીધી હતી. રોડ રોલરની ટક્કર એટલી ભયાનક હતી કે, મોપેડ પર સવાર યુવતીઓ રસ્તા પર પટકાઈ હતી અને ઘટના સ્થળે જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
તાંદલજાની માહીનું ઘટના સ્થળે જ મોત
આ દર્દનાક અકસ્માતમાં તાંદલજા ફેઇથ સ્કૂલ પાસે રહેતી માહી નામની યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણ કરાતાં જ 108ની ઇમરજન્સી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ તબીબી ટીમે તપાસ બાદ યુવતીને મૃત જાહેર કરી હતી.

યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ડ્રાઇવર સ્થળ પરથી ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અકસ્માત સર્જાયા બાદ રોડ રોલરનો ડ્રાઇવર પોતાના વાહનને સ્થળ પર જ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતક યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફરાર ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Vadodara: કરજણમાં ઉપરવાસના વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહી, 10 ગામ હાઇ એલર્ટ પર