વડોદરા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને મોટા પાયે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ દરમિયાન ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ગાંધીનગરની ઉચ્ચ સ્તરીય ટીમે વડોદરાના ઉટીયા ગામમાં ઓચિંતી રેડ કરાઈ હતી, જેના કારણે સ્થાનિક તંત્ર અને ભૂમાફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી.


ગેરકાયદે માટી ખનનનો પર્દાફાશ

ખાણ ખનીજ વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઉટીયા ગામની સીમમાં કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર મોટા પાયે ગેરકાયદે માટી ખનન કરવામાં આવી રહ્યું હતું. મંજૂરી વિના જેસીબી અને ડમ્પર જેવા ભારે વાહનો વડે હજારો ટન માટી ખોદી કાઢવામાં આવી હતી. આ કૌભાંડ દ્વારા સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

1.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

રેડ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે કડક કાર્યવાહી કરીને ઘટના સ્થળેથી ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતા ડમ્પરો, જેસીબી મશીનો અને અન્ય સાધનો સહિત અંદાજે રૂપિયા 1.50 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ વાહનોને સિઝ કરીને કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં કેટલા પ્રમાણમાં ખનન થયું છે, તેની માપણી પણ શરૂ કરવામાં આવી છે.

રાજકીય કનેક્શન ખુલતાં ખળભળાટ

આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી રહી છે કે, આ ગેરકાયદે માટી ખનન પાછળ સત્તાધારી પક્ષ ભાજપના એક સ્થાનિક મોટા નેતાનો હાથ હોવાની ચર્ચા વહેતી થઈ છે. આ નેતાની છત્રછાયા હેઠળ જ લાંબા સમયથી આ કૌભાંડ ધમધમતું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રેડની આ કાર્યવાહી બાદ ખાણ ખનીજ વિભાગની તપાસમાં સત્તાવાર રીતે કયા ભાજપ નેતાનું નામ બહાર આવે છે, તેના પર હવે સૌની નજર મંડાયેલી છે. રાજકીય કનેક્શનના કારણે આ કેસમાં સ્થાનિક સ્તરે ભારે ગરમાવો આવી ગયો છે.


આ પણ વાંચો - Waghodia-Vadodara: શંકર પેકેજિંગ કંપની સામે કામદારની લડાઈ, પરિવાર સાથે શરૂ કર્યા ઉપવાસ, 10 મુદ્દાઓની માંગ સાથે મોરચો માંડ્યો!


  • Follow us on: