વડોદરા શહેરના માળખાકીય બાંધકામની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. બાજવા રેલવે ઓવરબ્રિજની હાલત અત્યંત ખસ્તા થઈ ગઈ છે અને બ્રિજ વચ્ચે મોટા ગાબડાં પડી ગયા છે. અંદાજે 10 વર્ષના લાંબા સમયગાળા બાદ નિર્માણ પામેલા અને માત્ર 5 વર્ષ અગાઉ જ જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેવો આ મહત્વનો ઓવરબ્રિજ આટલા ટૂંકા સમયમાં જર્જરિત થઈ જતાં તંત્રના આયોજન પર પ્રશ્નાર્થ ચિહ્નો મુકાયા છે. બ્રિજ પર પડેલા મોટા ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા માત્ર ડામરનો કામચલાઉ મેકઅપ કરી દેવામાં આવ્યો હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લાઇટોનો અભાવ અને વારંવાર સર્જાતા અકસ્માતોથી ભયનું વાતાવરણ
સ્થાનિક રહીશો અને રોજેરોજ આ માર્ગ પરથી પસાર થતાં મુસાફરો માટે આ બ્રિજ હવે ભયજનક સાબિત થઈ રહ્યો છે. બ્રિજના RCC બાંધકામમાં ઠેર-ઠેર મોટી તિરાડો પણ જોવા મળી રહી છે, જે તેની નબળી ગુણવત્તા છતી કરે છે. આ ઉપરાંત, રાત્રિના સમયે બ્રિજ પર પૂરતી સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા ન હોવાના કારણે અંધારપટ છવાઈ જાય છે, જેના લીધે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અંધારામાં ખાડા અને તિરાડો ન દેખાતાં વાહનો સ્લિપ થવાના અને અથડાવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે.
