વડોદરા શહેરની મધ્યમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી (SSG) હોસ્પિટલમાં આજે એક કાળજું કંપાવનારી અને ભારે અફરાતફરી મચાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલા એક દર્દીએ ઈમરજન્સી વિભાગના મકાનના ત્રીજા-ચોથા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં સિક્યુરિટી સ્ટાફ, તબીબો અને દર્દીઓના સગા-સંબંધીઓમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
ઘરમાં બ્લેડ માર્યા બાદ હોસ્પિટલ લવાયો હતો
મળતી વિગતો અનુસાર, આપઘાતનો પ્રયાસ કરનાર ઈસમની ઓળખ કિશનવાડીના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા હિતેશ રોહિત તરીકે થઈ છે. હિતેશે અગાઉ પોતાના ઘરે જ હાથમાં બ્લેડો મારીને જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના સર્જરી વિભાગમાં જ્યારે તેની સારવાર ચાલી રહી હતી, ત્યારે તકનો લાભ ઉઠાવીને હિતેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ઈમરજન્સી વિભાગ બિલ્ડિંગના ચોથા માળે પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે નીચે ઝાંપલાવ્યું હતું.
