બનાસકાંઠા બાદ હવે વડોદરાના ભાયલી વિસ્તારમાંથી હડકવા (રેબીસ) નો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાયલીમાં રહેતા હેમંત નામના યુવાનને થોડા સમય પહેલાં શ્વાન કરડ્યું હતું, પરંતુ તેણે સમયસર કોઈ ઈલાજ કે વેક્સિન ન લેતાં આખરે તેને ગંભીર હડકવા ઉપડ્યો હતો.
તેણે પોતાને જ બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું
હડકવાની અસર થતાં જ યુવકની માનસિક સ્થિતિ વણસી ગઈ હતી અને તેણે પોતાને જ બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, તેણે આસપાસના લોકો પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
લોકોએ યુવકને દોરડા વડે બાંધી દીધો હતો
સ્થિતિ બેકાબૂ બનતાં આસપાસના લોકોએ યુવકને દોરડા વડે બાંધી દીધો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેની સ્થિતિ ગંભીર જણાતાં ગોત્રી હોસ્પિટલથી તેને વધુ સારવાર અર્થે ચેપી રોગ હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
દર્દીના બચવાના ચાન્સ નહીવત હોય છે
આ ગંભીર કિસ્સા અંગે ઇન્ફેક્શન સ્પેશ્યલિસ્ટ ડો. હિતેન કારેલીયાએ જણાવ્યું હતું કે, "હડકવા ઉપડ્યા બાદ દર્દીના બચવાના ચાન્સ નહીવત હોય છે. રેબીસ વાયરસ 2 થી 14 દિવસમાં અસર બતાવે છે અને તે સીધો દર્દીના મગજ પર એટેક કરે છે. આથી જ શ્વાન કરડતાં જ સમય બગાડ્યા વિના એન્ટી રેબીસ વાયરસના ઇન્જેક્શન (વેક્સિન) લેવા અત્યંત જરૂરી છે."
વેક્સીન લેવી જરુરી
ડોક્ટરે હડકવાગ્રસ્ત શ્વાનના લક્ષણો અંગે ઉમેર્યું હતું કે, "જો કોઈ શ્વાન એક જગ્યાએ બેસતું ન હોય, પાણીથી ડરતું હોય , કશું ખાતું-પીતું ન હોય અને તેના મોંમાંથી સતત લાળ ટપકતી હોય, તો તેવા શ્વાનથી દૂર રહેવું અને જો તે કરડે તો તુરંત જ હોસ્પિટલ પહોંચીને વેક્સીન લેવી જોઈએ."
આ પણ વાંચો : Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત