વડોદરાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો અંત લાવવા માટે પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા એક અત્યંત આકરો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામો અને મહત્વના નિર્ણયોમાંથી હવે ભાજપ સંગઠનની ધરખમ બાદબાકી કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે.
30 વર્ષ જૂની પરંપરાનો આવ્યો અંત
વડોદરા ભાજપમાં છેલ્લા 30 વર્ષથી એક મજબૂત પ્રથા ચાલી આવતી હતી, જેનો હવે સત્તાવાર રીતે અંત આણી દેવાયો છે. અત્યાર સુધી વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળે તે પહેલાં ભાજપ કાર્યાલય ખાતે ‘સંકલન બેઠક’ યોજાતી હતી. આ બેઠકમાં ભાજપ પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના હોદ્દેદારો કોર્પોરેશનના એજન્ડા પર પોતાના વિચારો અને મંતવ્યો મૂકતા હતા. પરંતુ પ્રદેશ ભાજપના નવા આદેશ અનુસાર, હવે ભાજપ કાર્યાલય ખાતે આવી કોઈ સંકલન બેઠક મળશે નહીં.













