વડોદરામાં છાણીથી બાજવા તરફ જતો અંડરપાસ છેલ્લા 3 મહિનાથી બંધ હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છાણીથી બાજવા જવા માટે વાહનચાલકોએ આશરે 6 કિમીનો લાંબો ફેરો લેવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
વૈકલ્પિક રસ્તો આપવાની માંગ
અંડરપાસ બંધ હોવાને કારણે સ્થાનિકોએ વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો નજીકમાં વૈકલ્પિક માર્ગ આપવામાં આવે તો વાહનચાલકોનો સમય બચી શકે અને લાંબો ફેરો પણ ટાળી શકાય.
ખાડાવાળા રસ્તાથી વાહનોને નુકસાન
હાલમાં વાહનચાલકો જે માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે તે ખાડાવાળો હોવાથી અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાડાઓને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને વાહનચાલકોને વધારાનો પેટ્રોલ ખર્ચ પણ ભોગવવો પડી રહ્યો છે.
ભારે વાહનોને કારણે અકસ્માતનો ભય
છાણી-બાજવા વિસ્તારમાં નજીકમાં ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં ટ્રાફિકનું પ્રમાણ વધુ રહે છે. હાલના માર્ગ પર ભારે વાહનોની અવરજવર પણ હોવાથી અકસ્માતનો ભય રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે અંડરપાસ બંધ રહે ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો રોજિંદા અવરજવર કરતા લોકોને મોટી રાહત મળી શકે છે.
આ પણ વાંચો : Operation Sindoor વખતે ચીને પાકિસ્તાનની મદદ શા માટે કરી? અમેરિકી અહેવાલમાં સૌથી મોટો ઘટસ્ફોટ